સ્પોર્ટ્સ / IPL-2022: હાર્દિક પંડ્યા બની શકે છે અમદાવાદ ટીમનો સુકાની.

  • 11-Jan-2022 08:21 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે ઈન્ડિયન પ્રીમિયર લીગ માટે અમદાવાદ ફ્રેન્ચાઈઝીને લીલી ઝંડી આપી દીધી છે. હવે આઈપીએલની આ નવી ટીમના કેપ્ટનને લઈને વિવિધ અટકળો ચાલી રહી છે. મીડિયા અહેવાલ પ્રમાણે ભારતીય ટીમનો સ્ટાર ઓલ-રાઉન્ડર હાર્દિક પંડ્યા અમદાવાદ ટીમનો સુકાની બની શકે છે. જોકે, દિલ્હીની આગેવાની કરી ચૂકેલો શ્રેયસ ઐય્યર પણ આ રેસમાં સામેલ છે.

હાર્દિક પંડ્યાએ 2015માં આઈપીએલમાં ડેબ્યુ કર્યું હતું અને ત્યારથી તે મુંબઈ ઈન્ડિયન્સ ટીમ માટે રમતો હતો. જોકે, મુંબઈ ઈન્ડિયન્સ ટીમે આ વખતે વડોદરાના આ ઓલ-રાઉન્ડરને રિટેઈન કર્યો નથી. તેથી હાર્દિક પંડ્યાને આ બંનેમાંથી કોઈ એક ટીમ તેને લઈ શકે છે અથવા તો તે ઓક્શન પૂલમાં જશે.

હરાજી પહેલા અમદાવાદ અને લખનૌ ફ્રેન્ચાઈઝી અન્ય આઠ ફ્રેન્ચાઈઝીઓએ રિટેઈન ન કર્યા હોય તેવા ખેલાડીઓમાંથી ત્રણ-ત્રણ ખેલાડીઓની પસંદગી કરી શકે છે. હાર્દિક પંડ્યા મુંબઈ ઈન્ડિયન્સની સફળતામાં મહત્વનો ખેલાડી રહ્યો છે અને તેથી બંનેમાંથી કોઈ એક ટીમ તેને પોતાનામાં સામેલ કરી શકે છે. અમદાવાદની ટીમ હાર્દિક પંડ્યાને પસંદ કરી શકે છે પરંતુ હજી સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

હાર્દિક પંડ્યા ઉપરાંત અમદાવાદની ટીમ અફઘાનિસ્તાનના સ્ટાર સ્પિનર રાશિદ ખાન પર પણ પસંદગી ઉતારી શકે છે. રાશિદ ખાનને સનરાઈઝર્સ હૈદરાબાદની ટીમે રિટેઈન કર્યો નથી. રાશિદ ખાન આઈપીએલના સૌથી સફળ બોલર્સમાં સામેલ છે.


ફિટનેસ અને કંગાળ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે હાર્દિક પંડ્યા
હાર્દિક પંડ્યાએ ટી20 ફોર્મેટમાં પોતાની ઉપયોગીતા સાબિત કરી દીધી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી તે ઈજાથી પરેશાન છે. પીઠની ઈજામાંથી મુક્ત થયા બાદ તે ફક્ત બેટિંગ જ કરે છે અને બોલિંગ કરી રહ્યો નથી. જેના કારણે તે આઈપીએલની ગત સિઝનમાં મુંબઈ માટે ફક્ત એક નિષ્ણાત બેટર તરીકે જ રમ્યો હતો. જોકે, તેમાં તેનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું હતું.

ત્યારબાદ ટી20 વર્લ્ડ કપમાં પણ તેનું ફોર્મ કંગાળ રહ્યું હતું. બોલિંગ કરી શકતો ન હોવાના કારણે ટીમમાં તેના સ્થાનને લઈને સવાલો પણ ઉઠ્યા હતા. ટી20 વર્લ્ડ કપ બાદ તે ટીમ ઈન્ડિયાની બહાર થઈ ગયો છે. તેથી હવે તે આઈપીએલ-2022માં જ રમતો જોવા મળી શકે છે.

Share This :

Related Articles

Leave a Comment