ગુજરાત / લવસ્ટોરીનો કરુણ અંત: ગુજરાતી પ્રેમીનું અકસ્માતમાં મોત, બાંગ્લાદેશની પ્રેમિકા જેલમાં.

  • 20-Nov-2021 09:02 AM

સોશિયલ મીડિયાના માધ્યમથી ગુજરાતી યુવકના પ્રેમમાં પડેલી બાંગ્લાદેશી મહિલાએ કદાચ સપનામાં પણ નહીં વિચાર્યું હોય કે એક દિવસ તેને જેલની હવા ખાવાનો વારો આવશે. આમ તો પ્રેમી અને પ્રેમિકા છેક 2017થી અમદાવાદ નજીકના સનાથલમાં શાંતિથી રહેતાં હતાં, અને તેમને એક દીકરી પણ અવતરી હતી. પરંતુ 20 દિવસ પહેલા ખેડા નજીક એક માર્ગ અકસ્માતમાં પ્રેમીનું મોત થતાં તેમના સંસારમાં અણધાર્યો વળાંક આવ્યો અને હવે બાંગ્લાદેશી યુવતી ચાંગોદર પોલીસની કસ્ટડીમાં છે.

બાંગ્લાદેશની સિરિના અખ્તર હુસૈન 2017માં અમદાવાદના હિતેષ જોષીના સંપર્કમાં આવી હતી. સોશિયલ મીડિયા પર એકબીજા સાથે ચેટિંગ કરતાં સિરિના અને હિતેષની દોસ્તી પ્રેમસંબંધમાં પરિણમી હતી. આખરે થોડા જ મહિનામાં સિરિના હિતેષને મળવા માટે 90 દિવસના ટુરિસ્ટ વિઝા પર આવી પહોંચી હતી. હિતેષ અને સિરિનાએ અમદાવાદમાં રહેવાનું નક્કી કર્યું હતું. જોકે, સિરિનાના વિઝા પૂરા થતાં તે ફરી બાંગ્લાદેશ પરત ફરી હતી.

2017ના અંતમાં સિરિના વિઝા રિન્યૂ કરાવી ફરી ભારત આવી હતી. આ વખતે તેણે હૈદરાબાદથી ગુટ્ટા સોનુ બિસ્વાસના નામ પર નકલી આધાર કાર્ડ અને પાન કાર્ડ તૈયાર કરાવી લીધા હતા. ત્યારબાદ સિરિના અને હિતેષે લીવ-ઈનમાં રહેવાનું શરુ કર્યું હતું. જોકે, અમદાવાદ આવી સિરિનાએ સોનુ હિતેષ જોષીના નામે નવું પાન કાર્ડ અને આધાર કાર્ડ કઢાવ્યા હતાં.

2018માં સિરિનાએ હિતેષની દીકરીને જન્મ આપ્યો હતો. 2020માં તેણે પાસપોર્ટ પણ કઢાવી લીધો હતો, અને તેના પર તે બાંગ્લાદેશ પણ જઈ આવી હતી. અત્યારસુધી તો બધું બરાબર ચાલી રહ્યું હતું, પરંતુ 20 દિવસ પહેલા જ હિતેષ એક અકસ્માતમાં મોતને ભેટતા સિરિના પર મુસીબતોનો પહાડ તૂટી પડ્યો. હિતેષના મોત બાદ નરોડામાં રહેતા તેના માતાપિતાએ સિરિનાને દોષ દેવાનું શરુ કર્યું હતું. તે બીજા ધર્મની હોવાથી હિતેષના જીવનમાં કમનસીબી લઈને આવી તેવા ટોણાં મારી સિરિનાને તેના સાસરિયાં હેરાન કરવા લાગ્યા હતા.

સિરિનાને સાસરિયા સાથે આ બાબતે અવારનવાર ઝઘડા થવા લાગતા પોલીસને ખબરીઓ દ્વારા જાણવા મળ્યું હતું કે એક બાંગ્લાદેશી મહિલા ખોટા દસ્તાવેજો બનાવીને સનાથલમાં રહે છે. બાતમી મળતાં જ અમદાવાદ ગ્રામ્ય પોલીસની એક ટીમ સિરિનાના ઘરે પહોંચી હતી. તપાસ દરમિયાન પોલીસને બે પાસપોર્ટ મળ્યા હતા, જેમાંથી એક બાંગ્લાદેશનો જ્યારે બીજો ભારતનો હતો. આ ઉપરાંત, સિરિનાના ફોટોગ્રાફવાળા બે-બે આધાર અને પાનકાર્ડ પણ મળી આવ્યા હતા.

પોલીસ સમક્ષ સિરિનાએ કોઈ સંકોચ વિના કબૂલાત કરતાં જણાવ્યું હતું કે તેણે માત્ર પોતાના પ્રેમીને પામવા માટે કાયદા તોડ્યા હતા. આ મામલે ચાંગોદર પોલીસે સિરિનાને બનાવટી દસ્તાવેજો ઉભા કરવા તેમજ વિઝાની મુદ્દત પૂરી થઈ ગયા બાદ પણ ભારતમાં રહેવાનો ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી હતી. સિરિના અને હિતેષની સાડા ત્રણ વર્ષની દીકરીને પોલીસે હિતેષના બહેન રાજુબેન જોષીના ઘરે મોકલી આપી છે, જેઓ હિંમતનગર રહે છે.

Share This :

Related Articles

Leave a Comment