ગુજરાત / ચરોત્તરમાં કીર્તિદાનના ડાયરામાં કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન, મંત્રી-ધારાસભ્ય પણ હતા હાજર.

  • 11-Jan-2022 08:45 AM

 દેશમાં કોરોના કેસો સતત વધી રહ્યા છે. કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં પણ છેલ્લા બે દિવસથી 6 હજાર કરતા વધુ કેસ નોંધાઈ રહ્યા છે. પરંતુ, કેટલાક લોકો હજુ પણ કોરોનાની ગંભીરતાને સમજવા તૈયાર નથી અથવા તો જાણી-જોઈને સમજવા માગતા નથી. તેમાંય કેટલાક રાજકારણીઓ અને કલાકારો તો ખુલ્લેઆમ કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરી રહ્યા છે. ચરોત્તરમાં યોજાયેલા કીર્તિદાન ગઢવીના ડાયરાના કાર્યક્રમમાં પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું. આશ્ચર્યજનક વાત તો એ છે કે, મંત્રી અર્જુનસિંહ ચૌહાણ, ભાજપના ધારાસભ્ય મયુર રાવલ અને આણંદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ મહેન્દ્રસિંહ પરમાર પણ આ ડાયરામાં ઉપસ્થિત હતા.

આણંદના ખંભાત તાલુકાના કલમસરમાં કીર્તિદાન ગઢવીનો ડાયરાનો કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં ભીડ એકઠી થઈ હતી. એટલું જ નહીં, ડાયરમાં ઉપસ્થિત ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યું ન હતું. આ ડાયરાનો એક વિડીયો વાયરલ થયો છે, જેમાં ધારાસભ્ય મયુર રાવલ પણ સ્ટેજ પર રૂપિયા ઉડાડતા જોવા મળી રહ્યા છે અને તેમણે માસ્ક પહેર્યું નથી.

આ ડાયરામાં કોરોના ગાઈડલાઈનનું ખુલ્લેઆમ ભંગ થયો હતો. એ પણ શાસક પક્ષના મંત્રી અને ધારાસભ્યની હાજરીમાં. એક તરફ સામાન્ય લોકોને કોરોના ગાઈડલાઈનના નામે માસ્ક અને બીજી બાબતોને લઈને દંડવામાં આવી રહ્યા છે અને કોરોના રોકવા રાત્રિ કર્ફ્યુ નાખીને લોકોને ઘરમાં રહેવા મજબૂર કરવામાં આવી રહ્યા છે, ત્યારે બીજી તરફ સમાજના રુઆબદાર અને પહોંચેલા લોકોને બધા પ્રકારની 'છૂટ' આપવામાં આવી રહી છે. આમ, નિયમ પાલનમાં આવી બેવડી માનસિકતા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.


લોકોનું કહેવું છે કે, મોટાભાગના રાજકીય કાર્યક્રમો અને આવા મોટા જાહેર કાર્યક્રમોમાં પોલીસની ભૂમિકા કાયમ શંકાસ્પદ રહી છે અને એવું જ ચરોત્તરના આ ડાયરાના કિસ્સામાં પણ જણાઈ રહ્યું છે. આ વિડીયો જોનારા લોકો રોષ સાથે જણાવી રહ્યા છે કે, સામાન્ય લોકો જ જાણે કોરોના સ્પ્રેડર હોય તેમ તેમને દંડવા માટે તૈયાર રહેતી પોલીસ રાજકીય હસ્તીઓની હાજરીમાં થતા આવા કાર્યક્રમો સામે આંખ આડા કાન કરે છે. અત્યાર સુધીમાં મોટાભાગે એવું જોવામાં આવ્યું છે કે, આવા કાર્યક્રમો મામલે હોબાળો થાય અને મીડિયા મુદ્દો ઉઠાવે પછી સરકાર અને પોલીસ જાગે છે અને પછી આયોજકો સામે ફરિયાદ નોંધી કાર્યવાહી કર્યાનો સંતોષ માની લે છે, પરંતુ આવા કાર્યક્રમોમાં ઉપસ્થિત રાજકારણીઓ અને મોટા માથાંઓ સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના 5 હજારથી ઉપર કેસ નોંધાતા હતા. રવિવાર અને સોમવારે સતત બે દિવસ કોરોના 6 હાજર કરતા વધારે કેસ નોંધાયા છે. આણંદ જિલ્લામાં નવા 88 કેસ નોંધાયા છે, તે સાથે કુલ કેસનો આંકડો 11, 271 કેસ થઈ ગયા છે. ઉપરાંત આણંદમાં ઓમિક્રોનના બે નવા કેસ પણ નોંધાયા છે. આમ, કોરોના કેસો સતત વધતા જઈ રહ્યા હોવા છતાં આવા જાહેર કાર્યક્રમો યોજવાની ગંભીર બેદરકારી સામે રાજ્યભરમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.

Share This :

Related Articles

Leave a Comment