ઇન્ડિયા / ઈટાલીથી અમૃતસર આવેલી ફ્લાઈટમાં 125 પેસેન્જર કોરોના પોઝિટિવ, એરપોર્ટ પર ભારે હંગામો.

  • 11-Jan-2022 09:09 AM

દક્ષિણ આફ્રિકાથી આવેલો ઓમિક્રોન વેરિયન્ટ દેશના મોટાભાગના રાજ્યોમાં ફેલાઇ ચૂક્યો છે. જેની ગંભીર અસર હવે આખા દેશમાં જોવા મળી રહી છે. રાજ્ય સ્તરે ઓમિક્રોનના વધી રહેલા કેસ હવે મોટા પડકાર તરીકે સામે આવી રહ્યા છે. એવામાં પંજાબ રાજ્યના અમૃતસરમાંથી બહુ મોટી ઘટના સામે આવી છે. ગુરુવારે ઈટાલીથી અમૃતસર આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચેલી ફ્લાઈટમાં 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાયા છે. આ ફ્લાઈટમાંથી કુલ 180 ઉતર્યા હતા, જેમાંથી 125 મુસાફરો કોરોનાથી સંક્રમિત જણાતાં એરપોર્ટ પર ભારે દોડધામ મચી ગઇ હતી. માહિતી મુજબ તમામ 125 કોરોના પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરવામાં આવ્યા છે અને એમના સેમ્પલ ઓમિક્રોન ટેસ્ટ માટે મોકલી દેવાયા છે.

રિપોર્ટ અનુસાર, ગુરુવારે ગુરુ રામદાસ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ઈન્ટરનેશનલ ચાર્ટર્ડ ફ્લાઈટે લેન્ડિંગ કર્યું હતું. જેમાં ઈટાલીથી પરત ફરેલા 180 મુસાફરો સવાર હતા. તમામ મુસાફરોનો એરપોર્ટ પર જ RT-PCR કરવામાં આવ્યો હતો. જે પછી 125 મુસાફરોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.

આટલા મોટા પ્રમાણમાં મુસાફરો કોવિડથી સંક્રમિત જણાતાં એરપોર્ટ ઓથોરિટીના પણ હાજા ગગડી ગયા હતા. પરિસ્થિતિને સંભાળતા એરપોર્ટ ઓથોરિટીએ તમામ પોઝિટિવ મુસાફરોને આઇસોલેટ કરવાની તાબડતોડ વ્યવસ્થા કરી હતી. કેટલાક મુસાફરોને અહીં જ ક્વારન્ટીન કરવામાં આવ્યા છે જ્યારે બાકીના સંક્રમિત મુસાફરોને એમના જિલ્લામાં ક્વોરન્ટીન કરવાની વ્યવસ્થામાં ટીમો સક્રિય બની છે.

હાલમાં અન્ય રાજ્યોની જેમ પંજાબમાં પણ કોરોના કેસમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં પરિસ્થિતિ એટલી ગંભીર બની ચૂકી છે કે શાળાઓ પણ બંધ કરી દેવામાં આવી છે અને રાત્રિ કર્ફ્યુ લગાવી દેવામાં આવ્યું છે. રાજ્યમાં હવે નાગરિકો માંગ ઉઠાવી રહ્યા છે કે રાજકીય રેલીઓ પણ બંધ કરી દેવામાં આવે.


રાજ્યમાં બુધવારે કોરોના સંક્રમણને લીધે 4 લોકોના મોત થયા હતા જ્યારે 1811 નવા કેસ નોંધાયા હતા. પંજાબમાં કોવિડ-19 પોઝિટિવિટી રેટ વધીને 7.95 ટકા થઇ ગયો છે. જ્યાં સૌથી ખરાબ સ્થિતિ પટિયાલાની છે. બુધવારે અહીંથી 598 નવા કેસ સામે આવ્યા હતા, જ્યારે મોહાલીમાં 300, લુધિયાણામાં 203 અને જલંધરમાં 183 નવા કેસ સામે આવ્યા હતા.

જોકે આ પરિસ્થિતિ દેશના મોટાભાગના રાજ્યોમાં બનવા આવી છે અથવા બની ચૂકી છે. દક્ષિણ આફ્રિકામાં નવો વેરિયન્ટ શોધાયો ત્યાર બાદથી અનેક દેશોએ આફ્રિકન દેશો અને વેરિયન્ટથી પ્રભાવિત દેશો પર યાત્રા પ્રતિબંધ લગાવી દીધો હતો. આ દરમિયાન ભારતમાં પણ ઓમિક્રોને પગ પેસારો કર્યો અને ગણતરીના દિવસોમાં જ કેસનો આંકડો હજારોને પાર કરી ગયો. એવામાં ઈટાલીથી અમૃતસર પહોંચેલી ફ્લાઈટમાં 125 મુસાફરો પોઝિટિવ આવતાં ગંભીર બાબત ઉભી થઇ છે. કારણ કે અન્ય રાજ્યોમાં પણ આંતરરાષ્ટ્રીય ફ્લાઈટ્સ લેન્ડિંગ કરી રહી છે.

Share This :

Related Articles

Leave a Comment