વર્લ્ડ / નિષ્ણાંતોએ સમજાવ્યો સામાન્ય શરદી-ખાંસી અને ઓમિક્રોન વેરિયન્ટ વચ્ચેનો તફાવત.

  • 11-Jan-2022 09:16 AM

દેશભરમાં અત્યારે કોરોનાના કેસ વધી રહ્યા છે. આ સાથે જ ઓમિક્રોન વેરિયન્ટના વધતા કેસ પણ ચિંતા વધારી રહ્યા છે. કહેવામાં આવે છે કે ઓમિક્રોન ડેલ્ટાની સરખામણીમાં ઓછું ખતરનાક છે અને તેનાથી સંક્રમિત દર્દીઓમાં ભાગ્યે જ લક્ષણો જોવા મળે છે. પરંતુ તેમ છતાં તબીબો સલાહ આપી રહ્યા છે કે ઓમિક્રોનની અવગણના કરવાની ભૂલ મોંઘી પડી શકે છે. ઓમિક્રોન અત્યંત ઝડપથી ફેલાય છે. અત્યારે શિયાળાને કારણે મોટી સંખ્યામાં લોકો શરદી-ખાંસીનો શિકાર પણ બને છે. આવી સ્થિતિમાં સામાન્ય શરદી-ખાંસી અને ઓમિક્રોન વચ્ચે તફાવત કરવો મુશ્કેલ કામ બની ગયું છે.

અપોલો હોસ્પિટલના સીનિયર કન્સલ્ટન્ટ પલ્મોનોલોજિસ્ટ ડોક્ટર રાજેશ ચાવલા જણાવે છે કે, ઓમિક્રોનનો મૃત્યુ દર ભલે ડેલ્ટાની સરખામણીમાં ઓછો હોય, પરંતુ તેના ઘણાં દર્દીઓએ હોસ્પિટલમાં દાખલ થવું પડે છે. તેઓ જણાવે છે કે, મારા ત્યાં 3 દર્દી એવા છે જેમને ઓક્સિજન સપોર્ટની જરુર છે. તે તમામ લોકોએ રસીના બન્ને ડોઝ લીધા છે. ઓમિક્રોન વેરિયન્ટ મોટાભાગે અપર રેસ્પિરેટરી ટ્રેક્ટને પ્રભાવિત કરે છે. પરંતુ ડોક્ટર્સનું કહેવું છે કે, ફેફસામાં ડેમેજ થવાના કેસ પણ સમે આવ્યા છે. ખાસકરીને વૃદ્ધો, ડાયાબિટીસ, હાઈપરટેન્શન જેવી બીમારી ધરાવતા લોકોએ ખાસ સાચવવાની જરૂર છે.

WHOની ચેતવણીઃ ઓમિક્રોન કોઈ સામાન્ય શરદી નથી, તેને હળવાશમાં ન લો
એઈમ્સના એડિશનલ પ્રોફેસર ડોક્ટર નીરજ નિશ્ચલ જણાવે છે કે, લોકોએ કોરોનાની ગંભીરતાને સમજવી જોઈએ. નવા વેરિયન્ટને કારણે ભલે હળવા લક્ષણો દેખાતા હોય, પરંતુ તે અત્યંત ઝડપથી ફેલાય છે. જો મોટી સંખ્યામાં લોકો એકસાથે સંક્રમિત થશે તો હોસ્પિટલો ભરાઈ જશે. સરકારો પોતાના તરફતી પ્રયત્નો કરી રહી છે, પરંતુ જો કેસની સંખ્યા વધશે તો આવી તૈયારીઓ ખાસ કામ નહીં લાગે. ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓમાં સામાન્યપણે ખાંસી, ગળામાં ખારાશ, તાવ, થાક લાગવો, માથામાં દુખાવો વગેરે જેવા લક્ષણ દેખાય છે. જો કે ડેલ્ટા વેરિયન્ટની જેમ આમાં ટેસ્ટ અને સ્મેલ જતા રહેવાની ફરિયાદ સામે નથી આવી.

 ઓમિક્રોનના લક્ષણ શું છે?

ખાંસી, ગળામાં ખારાશ, તાવ, થાક લાગવો, માથામાં દુખાવો, શરીરમાં દુખાવો વગેરે મુખ્ય લક્ષણો છે. છીંકો આવવી એ ઓમિક્રોનનું લક્ષણ નથી. ભાગ્યે જ કોઈ દર્દીમાં ડાયેરિયા અથવા નાકમાંથી પાણી વહેવા જેવા લક્ષણો દેખાય છે.

જો તમને આ પૈકીનું કોઈ લક્ષણ દેખાય તો તાત્કાલિક ડોક્ટરની મુલાકાત લો-

  • શ્વાસ લેવામાં તકલીફ
  • ઓક્સિજન સેચ્યુરેશનમાં ઘટાડો
  • છાતીમાં સતત દુખાવો થાય અથવા દબાણનો અનુભવ થાય
  • મેન્ટલ કન્ફ્યુઝન અથવા કોઈ પ્રતિક્રિયા ના આપી શકવી
  • જો લક્ષણ 3-4 દિવસથી વધારે રહે અથવા તબિયત ખરાબ થતી જણાય.

ઉલ્લેખનીય છે કે ઓમિક્રોનની સારવાર અલગ અલગ પ્રકારે થઈ રહી છે. હોસ્પિટલમાં દાખલ થયેલા અમુક દર્દીઓને સ્ટેરોઈડ આપવામાં આવે છે. હોમ આઈસોલેશન વાળા દર્દીઓને સ્ટેરોઈડ અથવા રેમડેસિવિયર આપવામાં નથી આવતા. હોસ્પિટલમાં દાખલ અમુક દર્દીઓને રેમડેસિવિયરની જરૂર પડે છે. મોલનુપિરાવિર દવાના લાભ મર્યાદિત છે. સામાન્યપણે ગર્ભવતી મહિલાઓ, બાળકોને આ દવા આપવામાં નથી આવતી.


ડોક્ટર નિશ્ચલ જણાવે છે કે, કોરોનાની સારવાર મોટાભાગે લક્ષણો આધારિત હોય છે. કોઈને તાવ આવ્યો હોય તો પેરાસિટામોલ આપી શકીએ છીએ. શરદી હશે તો સિટ્રિજન આપવામાં આવે છે. હોમ આઈસોલેશન વાળા દર્દીઓને સ્ટેરોઈડ આપવાની સલાહ તબીબો નથી આપતા. પરંતુ કોરોનાની કોઈ પણ દવાને જાદુઈ દવા સમજવી ના જોઈએ. જો તમે અથવા પરિવારનું કોઈ પણ સભ્ય બીમાર થાય તો આપમેળે અથવા તો ગૂગલની મદદથી નિર્ણયો લેવાના સ્થાને વહેલી તકે નિષ્ણાંત તબીબની મુલાકાત લેવાની સલાહ આપવામાં આવે છે.

Share This :

Related Articles

Leave a Comment