વર્લ્ડ / Covaxin લીધા પછી પેરાસિટામોલ કે પેઇન કિલર ના લેશો, ભારત બાયોટેકે સલાહ આપી.

  • 11-Jan-2022 09:19 AM

કોરોના રસીનું ઉત્પાદન કરતી ભારતીય કંપની ભારત બાયોટેકે બુધવારે દેશવાસીઓને સલાહ આપી છે કે, કોવેક્સીનનો ડોઝ લીધા પછી પેરાસિટામોલ કે અન્ય પેઇન કિલરની દવા લેવી જોઇએ નહીં.

કંપની તરફથી આપવામાં આવેલા નિવેદનમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રસીના ક્લીનિકલ ટ્રાયલ દરમિયાન 30,000 લોકોમાંથી 10થી 20 ટકામાં સાઇડ ઇફેક્ટ જોવા મળી હતી. કંપનીએ જણાવ્યું કે, અમે 30 હજાર લોકો પર ક્લીનિકલ ટેસ્ટ કર્યો હતો. જેમાં સાઇડ ઇફેક્ટના એકદમ હળવા લક્ષણો જોવા મળ્યા હતા. જે એક કે બે દિવસમાં ઠીક થઇ જાય છે અને આ માટે કોઇપણ પ્રકારની દવા લેવાની જરુર પડતી નથી.

ભારત બાયોટેકે જણાવ્યું કે, અમને એવી માહિતી મળી છે કે કેટલાક રસીકરણ કેન્દ્રો પર 15થી 18 વર્ષના બાળકોને કોવેક્સીનનો ડોઝ આપ્યા બાદ 500એમજીની 3 ગોળીઓ લેવાનું કહેવામાં આવી રહ્યું છે. અમારા તરફથી કોવેક્સીનનો ડોઝ લીધા પછી પેરાસિટામોલ કે બીજી કોઇ પેઇન કિલર લેવાની સલાહ આપવામાં આવી નથી.

કંપની મુજબ અન્ય કોરોના વેક્સીનનો બીજો ડોઝ લીધા પછી આ પ્રકારની દવા લેવાનું કહેવામાં આવી રહ્યું છે પરંતુ કોવેક્સીનના મામલે આમ નથી. કંપનીએ એવી સલાહ આપી છે કે કોવેક્સીન લીધી પછી જરુર પડે તો ડોક્ટરનો સંપર્ક કરવો અને એમની ભલામણ પણ દવા લેવાની સલાહ આપવામાં આવે છે.

ઉલ્લેખનીય છે કે વર્તમાન સમયમાં સરકારે ભારત બાયોટેકની વેક્સીન, કોવેક્સીનને 15થી18 વર્ષના બાળકો માટે ઇમરજન્સી યુઝ માટે મંજૂરી આપી છે. બાળકોને આ વેક્સીનના બે ડોઝ આપવામાં આવશે. પહેલા અને બીજા ડોઝની વચ્ચે 28 દિવસનું અંતર રહેશે.

Share This :

Related Articles

Leave a Comment