સ્પોર્ટ્સ / ધોનીએ ભણાવેલા પાઠ દ્વારા કોહલીએ રિશભ પંતને આપી મોટી સલાહ.

  • 11-Jan-2022 09:58 AM

ભારતીય સુકાની વિરાટ કોહલીએ સાઉથ આફ્રિકા વિરુદ્ધ ત્રણ ટેસ્ટ મેચની સીરિઝની અંતિમ અને નિર્ણાયક ટેસ્ટ અગાઉ મોટું નિવેદન આપ્યું છે. કોહલીએ કહ્યું છે કે પંત સાથે અમે પ્રેક્ટિસ દરમિયાન વાતચીત કરી હતી. તે જે પ્રકારના શોટ રમીને આઉટ થાય છે, તો સૌથી પહેલા તો તેને તે ખબર હોવી જોઈએ કે તેણે પરિસ્થિતિ પ્રમાણે શોટ રમ્યો છે કે નહીં. તમામ લોકોએ વ્યક્તિગત રીતે પોતાની ભૂલની જવાબદારી લેવી જોઈએ.

જોહાનિસબર્ગ ટેસ્ટમાં રિશભ પંત જે રીતે શોટ રમીને આઉટ થઈ ગયો હતો તેની ઘણી ટીકા થઈ હતી. દિગ્ગજ બેટર સુનીલ ગાવસ્કરે તેને અત્યંત ખરાબ શોટ ગણાવ્યો હતો. જ્યારે કોચ રાહુલ દ્રવિડે પણ કહ્યું હતું કે તે આ અંગે પંત સાથે વાતચીત કરશે. કોહલીએ આ મુદ્દે પોતાનો મત વ્યક્ત કર્યો હતો. વિકેટકીપર બેટરને સલાહ આપતા તેણે પોતાની કારકિર્દીની શરૂઆતમાં ભૂતપૂર્વ સુકાની મહેન્દ્ર સિંહ ધોની તરફથી મળેલા પાઠનો પણ ઉલ્લેખ કર્યો હતો.

કોહલીએ કહ્યું હતું કે, અમે બધાએ પોતાની કારકિર્દીમાં ભૂલો કરી છે. ક્યારે અમારી ભૂલ, ક્યારેક પરિસ્થિતિના દબાણમાં અને ક્યારેક બોલરની સ્કિલના કારણે અમારાથી ભૂલો થાય છે. નોંધનીય છે કે સાઉથ આફ્રિકા સામેની બે ટેસ્ટની ચાર ઈનિંગ્સમાં પંતનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે.

ભારતીય સુકાનીએ જણાવ્યું હતું કે, તે સમજવું જરૂરી છે કે તે ક્ષણે તમે શું વિચારી રહ્યા હતા અને તમે શું નિર્ણય લીધો હતો. જ્યાં સુધી આપણે આપણી ભૂલો શોધતા રહીશું અને તેમાં સુધારો કરતા રહીશું ત્યાં સુધી બધું બરાબર રહેશે.
 

આ સાથે કોહલીએ ધોનીની તે સલાહનો ઉલ્લેખ કર્યો હતો જેને તે આજે પણ માને છે. કોહલીએ કહ્યું હતું કે, મેં ઘણી વખત કહ્યું છે કે મહેન્દ્ર સિંહ ધોનીએ શરૂઆતમાં મને ઘણી સારી સલાહ આપી હતી. તેણે કહ્યું હતું કે એક ભૂલ અને બીજી ભૂલ વચ્ચે ઓછામાં ઓછા સાત કે આઠ મહિનાનો સમય હોવો જોઈએ. ત્યારે તમારી આંતરરાષ્ટ્રીય કારકિર્દી લાંબી થાય છે. તે વાત મારા મનમાં બેસી ગઈ છે. આ ત્યારે થાય છે જ્યારે તમે તમારી ભૂલ અંગે વિચાર કરો છો.

Share This :

Related Articles

Leave a Comment