ગુજરાત / ગુજરાતમાં એક જ દિવસમાં કોરોના કેસમાં 1300થી વધુનો ઉછાળો, દૈનિક આંક 7000ને પાર.

  • 12-Jan-2022 09:11 AM

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં એક દિવસની આંશિક રાહત બાદ વધુ મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં કોવિડ-19ના દૈનિક કેસની સંખ્યા 7000ને પાર થઈ ગઈ છે. જોકે, તેની સામે સાજા થયેલા દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતમાં કોરોનાના 7,476 નવા કેસ સામે આવ્યા છે જ્યારે 2704 દર્દીઓ સાજા થયા છે. આ ઉપરાંત ત્રણ દર્દીઓના મોત થયા છે.

રવિવારની તુલનામાં સોમવારે કોરોનાના કેસમાં નજીવો ઘટાડો નોંધાયો હતો પરંતુ મંગળવારે ફરીથી તેમાં મોટો ઉછાળો નોંધાયો છે. સોમવારે 6097 કેસ નોંધાયા હતા. આમ એક જ દિવસમાં રાજ્યમાં કેસની સંખ્યામાં 1300 કેસથી વધુનો ઉછાળો જોવા મળ્યો છે. જ્યારે સાજા થનારા દર્દીઓની સંખ્યામાં પણ 1000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
રાજ્યમાં હાલમાં કોરોનાના 37238 એક્ટિવ કેસ છે જેમાંથી 34 દર્દીઓ વેન્ટિલેટર પર છે. 2704 દર્દીઓ સાજા થવાની સાથે જ કોરોનાને હરાવનારા દર્દીઓની સંખ્યા 8,28,406 પર પહોંચી ગઈ છે. જ્યારે અત્યાર સુધી 10,132 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે. રાજ્યમાં કોવિડ-19થી સાજા થવાનો દર 94.59 ટકા છે. છેલ્લા 24 કલાકમાં 3,30,074 લોકોએ કોરોના વેક્સિન લીધી હતી અને આ સાથે જ વેક્સિન લેનારાઓની સંખ્યા 9,38,31,668 પર પહોંચી ગઈ છે. બે દિવસમાં કુલ 2,80,165 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે.

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશનમાં સૌથી વધુ કેસ નોંધાયા છે. અમદાવાદમાં 2861 કેસ નોંધાયા છે જ્યારે 1290 દર્દીઓ સાજા થયા છે. સુરતમાં 1988 કેસ સામે આવ્યા છે અને 372 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે. આ ઉપરાંત વડોદરા કોર્પોરેશનમાં પણ કેસની સંખ્યા 500ને પાર થઈ ગઈ છે. વડોદરામાં 551 કેસ નોંધાયા છે અને 199 દર્દીઓ સાજા થયા છે.

આ ઉપરાંત જ્યાં ત્રણ આંકડામાં કેસ સામે આવ્યા છે તેમાં રાજકોટ કોર્પોરેશન 244, વલસાડમાં 189, ભાવનગર કોર્પોરેશનમાં 136, સુરત જિલ્લામાં 136, ગાંધીનગર કોર્પોરેશનમાં 135, કચ્છમાં 121 અને મહેસાણામાં 108 કેસ નોંધાયા છે. વલસાડ, સુરત જિલ્લા અને પોરબંદરમાં એક-એક દર્દીનું મોત થયું છે.

રાજ્યમાં ઓમિક્રોનના કેસની સ્થિતિ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ કેસ સામે આવ્યો નથી જ્યારે કચ્છમાં બે દર્દીઓ સાજા થયા છે. રાજ્યમાં ઓમિક્રોનના કુલ 264 કેસ નોંધાયા છે અને 225 દર્દીઓ સાજા થયા છે. જ્યારે ઓમિક્રોનથી એક પણ મોત નોંધાયું નથી. ગુજરાતમાં અમદાવાદમાં સૌથી વધુ 110 કેસ નોંધાયા છે. આ ઉપરાંત જ્યાં બે આંકડામાં કેસ નોંધાયા છે તેમાં વડોદરા કોર્પોરેશનમાં 44, આણંદમાં 27, સુરત કોર્પોરેશનમાં 20, ખેડામાં 12 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 10 કેસ નોંધાયા છે.

Share This :

Related Articles

Leave a Comment