ગુજરાત / સેટેલાઈટનો કિસ્સો.. પ્રેમ પ્રકરણમાં નાસતો ફરતો હત્યાનો આરોપી 19 વર્ષે પકડાયો.

  • 12-Jan-2022 09:13 AM

પ્રેમ પ્રકરણમાં પડેલા યુવાનો આવેશમાં આવીને ના કરવાનું કરી બેસતા હોય છે. જેમાં તેઓ ઘણી વખત ગુનાહિત પ્રવૃતિઓ કરતા પણ ખચકાતા નથી. આવી જ એક ઘટના અમદાવાદ શહેરમાં આજથી 19 વર્ષ પહેલા બની હતી જેનો આરોપી આખરે પકડાયો છે.

દિનેશ વાળા નામનો શખ્સ હત્યાના ગુનામાં પાછલા 19 વર્ષથી નાસતો ફરતો હતો જેને આખરે પોલીસે પકડી લીધો છે. વાત 2003ની છે કે જ્યારે હત્યારો આરોપી ગાંડો હોવાનો ડોળ કરીને ઘરેથી ભાગી ગયો હતો. પરિવારજનો પણ યુવક ગાંડો થઈ ગયો હોવાનું રટણ પોલીસ સમક્ષ કરી રહ્યા હતા. બીજી તરફ પોતાનો દીકરો ગુમાવનારા પરિવારે સુપ્રીમ કોર્ટના દ્વાર ખખડાવ્યા હતા. સુપ્રીમ કોર્ટના આદેશ બાદ ક્રાઈમ બ્રાન્ચ દ્વારા કાર્યવાહી કરીને આરોપીને 19 વર્ષે જૂનાગઢના એક ગામમાંથી ઝડપી લેવામાં આવ્યો છે, આરોપી ઝડપાયો ત્યારે માનસિક રીતે સ્વસ્થ હોવાનું પણ સામે આવ્યું છે.

વર્ષ 2003માં સેટેલાઈટ પોલીસ સ્ટેશનની હદમાં આવતા વિસ્તારમાં હત્યાની ઘટના બની હતી. હત્યારા દિનેશ વાળાની ભત્રીજીને જયેશ ગોહિલ નામના યુવક સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જે સંબંધ યુવતીના પરિવારજનોને મંજૂર નહોતો. આ કારણે થયેલી તકરારમાં દીનેશ વાળાના પરિવારજનોએ વર્ષ 2003માં જયેશ ગોહિલને માર મારીને મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ કેસમાં પોલીસે દિનેશ વાળાના ભાઈઓ દિલીપ ઉર્ફે દીપક વાળા, હસમુખ વાળા અને દેવજી વાળાની ધરપકડ કરી હતી. જોકે, દિનેશ માનસિક અસ્થિર હોવાનું નાટક કરીને ઘરેથી નાસી ગયો હતો. પોલીસને તેને શોધવાના ઘણાં પ્રયત્નો કર્યા હતા પરંતુ તેના પરિવારજનો પણ તે માનસિક અસ્થિર હોવાનું રટણ કરીને તે ક્યાંક ચાલ્યો ગયો હોવાનું કહેતા હતા.

બીજી તરફ જયેશ ગોહિલને ગુમાવનારા પરિવાર દ્વારા ન્યાય માટે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવામાં આવ્યા હતા. જ્યાં સુપ્રીમ કોર્ટના આદેશ બાદ દિનેશ વાળાની ક્રાઈમ બ્રાન્ચ દ્વારા સઘન તપાસ શરુ કરવામાં આવી હતી. જેમાં બાતમીના આધારે ટીમે દિનેશ વાળાની જૂનાગઢના નાનકડા ગામ ધુમલીમાંથી ઝડપી પાડ્યો હતો. એવી પણ વિગતો સામે આવી રહી છે કે જ્યારે દિનેશ વાળા ઝડપાયો ત્યારે તે સંપૂર્ણ રીતે સ્વસ્થ હતો. હવે પોલીસ દ્વારા આ કેસમાં આરોપીની મેડિકલ સહિતની જરુરી તપાસ કરાવવામાં આવી શકે છે.

Share This :

Related Articles

Leave a Comment