ગુજરાત / કચ્છથી બે માસૂમ બાળકોને લઈને ફરાર થઈ ગયો પતિ, હાઈકોર્ટના શરણે માતા.

  • 12-Jan-2022 09:14 AM

ગુજરાત હાઈકોર્ટમાં એક મહિલાએ હેબિયર કોર્પસ અરજી કરી હોવાની જાણકારી સામે આવી છે. આ અરજી સામાન્ય અરજી નથી અને કેસ પણ ઘણો વિચિત્ર જણાઈ રહ્યો છે. કેસની હકીકતોને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે પણ પોતાની સત્તાઓનો વિશેષ ઉપયોગ કરવો પડ્યો છે. અહીં એક મહિલાએ અરજી કરી છે કે બે બાળકોને લઈને તેમના પિતા કચ્છથી ફરાર થઈ ગયા છે. આ બે બાળકો પૈકી એક પાંચ વર્ષની દીકરી છે અને એક સાત વર્ષનો દીકરો છે. કોર્ટે રાજ્ય સરકાર સહિતના તમામ પ્રતિવાદીઓને આ બાબતે નોટિસ પાઠવી છે અને કેસની ગંભીરતાથી નોંધ લીધી છે.

ઉલ્લેખનીય છે કે અહીં બન્ને બાળકોની ઉંમર નાની હોવાને કારણે કોર્ટે તેને વધારે ગંભીરતાથી લીધો છે અને ખાસ સત્તાઓનો ઉપયોગ કર્યો છે. હવે આ કેસની સુનાવણી 12મી જાન્યુઆરીના રોજ કરવામાં આવશે. કેસની વિગતવાર વાત કરીએ તો અરજી કરનાર પત્નીએ આરોપ મૂક્યો છે કે, તેમણે પોતાના પતિ પાસેથી ભરપોષણ મેળવવા માટેની એક અરજી કરી હતી અને અત્યારે પતિ-પત્ની વચ્ચે કાયદાકીય લડાઈ ચાલી રહી છે.

પ્રાપ્ત જાણકારી અનુસાર, ફરિયાદી પત્ની લગ્ન પછી પતિ સાથે મુંબઈમાં રહેતી હતી. પરંતુ પતિ-પત્ની વચ્ચે અણબનાવ અને સંબંધોમાં ખટરાગ આવવાને કારણે પત્ની કચ્છમાં પોતાના પિયર આવી ગઈ હતી. આ દરમિયાન એકવાર ફરિયાદી મહિલાનો પતી કચ્છ તેમને મળવા માટે આવ્યો હતો. તે ધાર્મિક સ્થળના દર્શનનું બહાનુ કરીને પરિવારને લઈ ગયો હતો અને પછી ત્યાંથી બાળકોને બળજબરીપૂર્વક ઉપાડીને લઈ ગયો હતો. તે સમયથી જ પતિનો કોઈ અતોપતો નથી.

ઉલ્લેખનીય છે કે પતિ-પત્ની વચ્ચે આમ જ બે કેસ ચાલી રહ્યા છે. એક કેસ ભરણપોષણનો કેસ છે અને બીજો કેસ ઘરેલુ હિંસાનો છે. કોર્ટમાં અપીલ કરવામાં આવી છે કે, બન્ને સંતાનો અત્યારે કુમળી વયના છે અને તેમણે અત્યારે પોતાની માતા પાસે જ રહેવુ જોઈએ. તેમ છતાં પતિ ગેરકાયદેસર રીતે બાળકોને પોતાની સાથે ઉઠાવીને ભાગી ગયો. આ કેસમાં પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે કોર્ટ દ્વારા બાળકોને કોની પાસે રાખવા તે બાબતે કોઈ આદેશ આપવામાં આવ્યો નથી છતાં મહિલાનો પતિ બન્ને બાળકોને લઈને જતો રહ્યો. મહિલાની ફરિયાદ અનુસાર, 2021માં નવરાત્રિના સમયે તે બાળકોને લઈને ભાગી ગયો હતો.


સરકાર તરફથી જાણકારી આપવામાં આવી છે કે મહિલાના પતિનું સરનામું મુંબઈમાં છે માટે કાર્યવાહીના ક્ષેત્રનો પ્રશ્ન પણ ઉભો થઈ શકે છે. પરંતુ હાઈકોર્ટે આદેશ આપ્યો છે કે, બાળકો અને ખાસ કરીને દીકરી નાની છે, માટે કોર્ટ અહીં વિશિષ્ટ સત્તાઓનો ઉપયોગ કરે છે. હવે આગામી સુનાવણીમાં કોર્ટ દ્વારા શું નિર્ણય લેવામાં આવશે તે જોવાનુ રહ્યું.

Share This :

Related Articles

Leave a Comment