સ્પોર્ટ્સ / ત્રીજી ટેસ્ટઃ કોહલીની શાનદાર અડધી સદી છતાં, ભારત પ્રથમ દિવસે જ ઓલ-આઉટ.

  • 12-Jan-2022 09:16 AM

સુકાની વિરાટ કોહલીની શાનદાર અડધી સદી અને ચેતેશ્વર પૂજારાની મહત્વની ઈનિંગ્સ છતાં મંગળવારથી શરૂ થયેલી ત્રીજી અને અંતિમ ટેસ્ટ ક્રિકેટ મેચમાં ભારતીય ટીમનો પ્રથમ દાવ 223 રનમાં સમેટાઈ ગયો છે. કેપટાઉનમાં રમાઈ રહેલી નિર્ણાયક ટેસ્ટના પ્રથમ દિવસે જ સાઉથ આફ્રિકન બોલર્સે દમદાર પ્રદર્શન કરીને ભારતને મોટો સ્કોર કરવા દીધો ન હતો. જેના જવાબમાં પ્રથમ દિવસના અંતે સાઉથ આફ્રિકાએ એક વિકેટે 17 રન નોંધાવ્યા છે. એઈડન માર્કરામ આઠ અને કેશવ મહારાજ છ રને રમતમાં છે. જસપ્રિત બુમરાહે સુકાની ડીન એલ્ગરને આઉટ કર્યો હતો જેણે ત્રણ રન નોંધાવ્યા હતા.

ભારત ટીમની કંગાળ શરૂઆત, ઓપનર્સ ફ્લોપ
બીજી ટેસ્ટમાં ઈજાના કારણે ન રમી શકનારા સુકાની વિરાટ કોહલીએ ટોસ જીતીને પ્રથમ બેટિંગનો નિર્ણય કર્યો હતો. જોકે, સાઉથ આફ્રિકન બોલર્સે ભારતનો આ નિર્ણય ખોટો ઠેરવ્યો હતો. ભારતે 33 રનમાં પોતાના બંને ઓપનર્સ ગુમાવી દીધા હતા. લોકેશ રાહુલ 12 અને મયંક અગ્રવાલ 15 રન નોંધાવીને આઉટ થયા હતા. આમ શરૂઆતમાં જ બંને ઓપનર્સ ગુમાવી દીધા બાદ ભારતીય ટીમ બેકફૂટ પર આવી ગઈ હતી.

કેપ્ટન કોહલી અને ચેતેશ્વર પૂજારાએ સંભાળી બાજી
ભારતીય ટીમ શરૂઆતથી જ દબાણમાં આવી ગઈ હતી. જોકે, કેપ્ટન વિરાટ કોહલી અને ચેતેશ્વર પૂજારાએ બાજી સંભાળી હતી. આ બંને બેટ્સમેનોએ ધીરજ અને મક્કમતાપૂર્વક બેટિંગ કરી હતી અને સાઉથ આફ્રિકાની ઝંઝાવાતી બોલિંગનો સામનો કર્યો હતો. તેમણે ધીમે ધીમે સ્કોરને આગળ ધપાવ્યો હતો. જોકે, પૂજારા સેટ થઈ ગયો હતો ત્યારે જ માર્કો જેનસેને તેને આઉટ કરીને યજમાન ટીમને મોટી સફળતા અપાવી હતી. પૂજારાએ સાત ચોગ્ગાની મદદથી 77 બોલમાં 43 રન ફટકાર્યા હતા.


વિરાટ કોહલીની અડધી સદી, રબાડાનો તરખાટ
છેલ્લા ઘણા સમયથી ફોર્મ વિહોણા રહેલા સુકાની કોહલીએ શાનદાર અડધી સદી ફટકારી હતી. કોહલીએ 201 બોલમાં 12 ચોગ્ગા અને એક સિક્સરની મદદથી 79 રન ફટકાર્યા હતા. કાગિસો રબાડાએ તેની શાનદાર ઈનિંગ્સનો અંત આણ્યો હતો. જ્યારે અજિંક્ય રહાણે વધુ એક વખત ફ્લોપ રહ્યો હતો. તે નવ રન નોંધાવીને પેવેલિયન ભેગો થયો હતો. જ્યારે રિશભ પંતે 27, રવિચંદ્રન અશ્વિને બે અને શાર્દુલ ઠાકુરે 12 રનનું યોગદાન આપ્યું હતું. સાઉથ આફ્રિકા માટે કાગિસો રબાડાએ ચાર અને માર્કો જેનસેને ત્રણ વિકેટ ઝડપી હતી. જ્યારે ઓલિવિયર, લુંગી એનગિડી અને કેશવ મહારાજે એક-એક વિકેટ ખેરવી હતી.

Share This :

Related Articles

Leave a Comment