બોલીવુડ / હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાનને થયો કોરોના, ઓમિક્રોન વેરિયન્ટનો બની શિકાર.

  • 12-Jan-2022 10:00 AM

દેશભરમાં કોરોના વાયરસના કેસમાં વધારો નોંધાઈ રહ્યો છે. મુંબઈમાં પણ રોકેટગતિએ કેસ વધી રહ્યા છે. ફિલ્મ અને ટેવી ઈન્ડસ્ટ્રીના અનેક કલાકારો અત્યાર સુધી કોરોનાની ચપેટમાં આવી ગયા છે. તાજેતરમાં જ પ્રાપ્ત જાણકારી અનુસાર હૃતિક રોશનની પૂર્વ પત્ની સુઝેન ખાન કોરોનાનો શિકાર બની છે. સુઝેન ખાને સોશિયલ મીડિયા અકાઉન્ટ પર ફેન્સને આ બાબતની જાણકારી આપી છે. તેણે લોકોને સાવધાની રાખવાની સલાહ પણ આપી છે.

સુઝેન ખાને ઈન્સ્ટાગ્રામ પરો પોતાની એક તસવીર શેર કરી છે. તસવીરમાં સુઝેન ખાન સ્પોર્ટ્સ આઉટફિટમાં જણાઈ રહી છે અને ઘણી ફિટ જણાઈ રહી છે. સુઝેન ખાનના બાઈસેપ્સ પણ તસવીરમાં દેખાઈ રહ્યા છે. કેપ્શનમાં સુઝેને લખ્યું છે કે, બે વર્ષ સુધી કોરોના વાયરસને થાપ આપ્યા પછી ત્રીજા વર્ષ 2022માં આખરે ઓમિક્રોન વેરિયન્ટ મારી ઈમ્યૂન સિસ્ટમાં ઘૂસી ગયું છે. કાલે રાત્રે મારો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મહેરબાની કરીને સુરક્ષિત રહો અને પોતાનું ધ્યાન રાખો.

ઉલ્લેખનીય છે કે હૃતિક રોશને ગઈકાલે જ પોતાના 48મા જન્મદિવસની ઉજવણી કરી હતી. આ અવસર પર સુઝેન ખાને પણ તેને શુભકામનાઓ પાઠવી હતી. સુઝેને હૃતિક અને તેના બન્ને દીકરાઓનો એક વીડિયો શેર કર્યો હતો. સુઝેને લખ્યુ હતું કે, હૃતિક તું અદ્દભુત પિતા છે. બાળકોનું સૌભાગ્ય છે કે તું તેમનો પિતા છે. તારી તમામ ઈચ્છાઓ પૂરી થાય તેવી શુભકામનાઓ.

નોંધનીય છે કે હૃતિક અને સુઝેન ખાને ભલે છૂટાછેડા લઈ લીધા હોય પરંતુ તેમના સંબંધો વણસ્યા નથી. તેઓ ઘણીવાર એકસાથે સમય પસાર કરે છે, બાળકો સાથે બહાર જાય છે. બાળકોને કારણે તેઓ એકબીજાના ઘરે પણ અવરજવર કરતા હોય છે. કોરોનાની પહેલી લહેર વખતે જ્યારે લોકડાઉન લાગુ કરવામાં આવ્યુ હતું ત્યારે આખો પરિવાર એકસાથે રહ્યો હતો. જેથી બાળકોએ માતા અથવા પિતાથી દૂર ના થવુ પડે.


ઉલ્લેખનીય છે કે કોરોનાની ચપેટમાં ટીવી અને ફિલ્મ ઈન્ડસ્ટ્રીના અનેક લોકો આવ્યા છે. એકતા કપૂર, જોન અબ્રાહમ, નોરા ફતેહી, અર્જુન કપૂર, નફીસા અલી, મિથિલા પાલકર, પ્રેમ ચોપરા, મધુર ભંડારકર, સ્વરા ભાસ્કર, મહેશ બાબુ વગેરેના નામ આ યાદીમાં સામેલ છે.

Share This :

Related Articles

Leave a Comment