ગુજરાત / કોરોનાનો હાહાકાર: ગુજરાતમાં 10 હજારની નજીક પહોંચ્યો દૈનિક કેસનો આંકડો, 4ના મોત.

  • 13-Jan-2022 08:59 AM

ગુજરાતમાં કોરોના વાયરસના કેસ દૈનિક રોકેટગતિએ વધી રહી છે. છેલ્લા બે દિવસથી દૈનિક કેસમાં મોટો ઉછાળો જોવા મળ્યો છે. રાજ્યમાં દૈનિક કેસની સંખ્યા 10,000ની નજીક પહોંચી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં જ રાજ્યમાં 2400થી વધુ કેસ નોંધાયા છે. રાજ્યમાં કોવિડ-19ના નવા 9941 કેસ નોંધાયા છે જ્યારે ચાર લોકોના મોત થયા છે.

ગુજરાતમાં મંગળવારે કોરોનાના 7476 કેસ નોંધાયા હતા જ્યારે બુધવારે 9941 કેસ નોંધાયા છે. આમ મંગળવારની તુલનામાં એક જ દિવસમાં 2465 નવા કેસનો વધારો થતાં હાહાકાર મચી ગયો છે. જોકે રાજ્યમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. 3449 દર્દીઓ કોરોનામાંથી સાજા થયા છે. અમદાવાદમાં કેસની સંખ્યા 4000ની નજીક પહોંચી ગઈ છે. સુરત કોર્પોરેશનમાં બે તથા વલસાડ અને રાજકોટમાં એક-એક દર્દીનું મોત થયું છે.

હાલમાં રાજ્યમાં 43,726 એક્ટિવ કેસ છે જેમાંથી 51 દર્દીઓ વેન્ટિલેટર પર છે. અત્યાર સુધી કુલ 8,31,855 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે મૃત્યુઆંક 10,137 પર પહોંચ્યો છે. રિકવરી રેટ 93.92 થયો છે. રાજ્યમાં 3,02,033 લોકોએ વેક્સિન લીધી છે અને આ સાથે અત્યાર સુધી 9,41,33,701 લોકોએ કોવિડ-19ની રસી લીધી છે. જ્યારે એક દિવસમાં 1,01,129 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે. અત્યાર સુધી 3,81,294 લોકોએ પ્રીકોશન ડોઝ લીધો છે.

રાજ્યમાં અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધુ 3843 કેસ નોંધાયા છે જ્યારે 1637 દર્દીઓ સાજા થયા છે. જ્યારે સુરત કોર્પોરેશનમાં 2505 કેસ નોંધાયા છે. વડોદરા કોર્પોરેશનમાં દૈનિક કેસ 500ને પાર થઈ ગયા છે અને નવા 776 કેસ નોંધાયા છે. આ ઉપરાંત રાજકોટ કોર્પોરેશનમાં 319 સુરત જિલ્લામાં 265, વલસાડમાં 218, ભરૂચમાં 217, ગાંધીનગર કોર્પોરેશનમાં 150, નવસારીમાં 147, ભાવનગર કોર્પોરેશનમાં 130, કચ્છમાં 105 અને મોરબીમાં 102 કેસ નોંધાયા છે.


રાજ્યમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નહીં
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં ઓમિક્રોનનો એક પણ નવો કેસ નોંધાયો નથી. જ્યારે વડોદરા કોર્પોરેશનમાં નવ અને આણંદમાં ચાર દર્દીઓ સાજા થયા છે. ગુજરાતમાં અત્યાર સુધી કુલ 264 કેસ નોંધાયા છે અને 238 દર્દીઓ સાજા થયા છે. અમદાવાદ કોર્પોરેશનમાં સૌથી વધારે 110 કેસ નોંધાયા છે.

Share This :

Related Articles

Leave a Comment