સ્પોર્ટ્સ / ત્રીજી ટેસ્ટઃ બીજા દાવમાં ભારતની ખરાબ શરૂઆત, પૂજારા-કોહલીએ સંભાળી બાજી.

  • 13-Jan-2022 09:00 AM

ઝડપી બોલર જસપ્રિત બુમરાહની ઘાતક બોલિંગની મદદથી ભારતે કેપટાઉનમાં રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ ક્રિકેટ મેચમાં સાઉથ આફ્રિકાનો પ્રથમ દાવ 210 રનમાં સમેટી લીધો છે અને 12 રનની સરસાઈ મેળવી છે. મેચના બીજા દિવસે કીગન પીટરસનને બાદ કરતા યજમાન સાઉથ આફ્રિકન બેટર્સ બુમરાહની આગેવાનીવાળા ભારતીય ઝડપી બોલિંગ આક્રમણ સામે વધારે સમય ટકી શક્યા ન હતા. બુમરાહે પાંચ વિકેટ ઝડપી હતી. પીટરસને 72 રન નોંધાવ્યા હતા.

જોકે, બીજા દાવમાં ભારતની શરૂઆત નિરાશાજનક રહી હતી. ભારતે પોતાના બંને ઓપનર સસ્તામાં ગુમાવી દીધા હતા. બીજા દિવસના અંતે ભારતે બે વિકેટે 57 રન નોંધાવ્યા હતા. દિવસના અંતે ચેતેશ્વર પૂજારા નવ અને વિરાટ કોહલી 14 રને રમતમાં છે. લોકેશ રાહુલ 10 રન નોંધાવીને આઉટ થયો હતો. જ્યારે મયંક અગ્રવાલ સાત રન નોંધાવીને આઉટ થયો હતો. ભારત હાલમાં 70 રનની સરસાઈ ધરાવે છે.

કીગન પીટરસનની અડધી સદી, અન્ય બેટર્સ નિષ્ફળ
સાઉથ આફ્રિકાએ મેચના બીજા દિવસે બુધવારે એક વિકેટે 17 રનથી પોતાનો પ્રથમ દાવ આગળ ધપાવ્યો હતો. એઈડન માર્કરામ અને કેશવ મહારાજ બેટિંગમાં હતા. જોકે, માર્કરામ પોતાના આગલા દિવસના સ્કોરમાં એક પણ રન ઉમેરી શક્યો ન હતો. બુમરાહના બોલને સમજવામાં થાપ ખાઈ જતાં તે બોલ્ડ થયો હતો. તેણે આઠ રનનું યોગદાન આપ્યું હતું. જ્યારે મહારાજ 25 રન નોંધાવીને ઉમેશ યાદવના બોલ પર બોલ્ડ થયો હતો.

આમ ભારતે દિવસની શરૂઆતમાં જ બે સફળતા મેળવી લીધી હતી. જોકે, કીગન પીટરસને એક છેડો જાળવી રાખ્યો હતો પરંતુ સામે છેડે તેનો યોગ્ય સાથ મળ્યો ન હતો. વાન ડેર ડુસેન અને ટેમ્બા બાવુમાએ તેનો થોડો સમય સાથ આપ્યો હતો પરંતુ આ બંને બેટ્સમેનો સેટ થઈ ગયા બાદ પોતાની વિકેટ જાળવી રાખવામાં નિષ્ફળ રહ્યા હતા. વાન ડેર ડુસેન 21 અને બાવુમા 28 રન નોંધાવીને આઉટ થયા હતા. કીગન પીટરસને 166 બોલનો સામનો કર્યો હતો અને નવ ચોગ્ગાની મદદથી 72 રન નોંધાવ્યા હતા. બુમરાહે પીટરસનને આઉટ કરીને ભારતને મોટી સફળતા અપાવી હતી.


જસપ્રિત બુમરાહનો ઝંઝવાત, ઝડપી પાંચ વિકેટ
ભારત માટે જસપ્રિત બુમરાહે શાનદાર બોલિંગ કરી હતી અને 42 રન આપીને પાંચ વિકેટ ઝડપી હતી. બુમરાહે તેની કારકિર્દીમાં સાતમી વખત એક ઈનિંગ્સમાં પાંચ કે તેથી વધુ વિકેટ ઝડપી છે. કેપટાઉનમાં પાંચ વિકેટ ઝડપનારો બુમરાહ ત્રીજો ભારતીય બોલર છે. અગાઉ હરભજન સિંહે 2010-11ના પ્રવાસમાં 120 રન આપીને સાત વિકેટ ઝડપી હતી. જ્યારે આ જ પ્રવાસમાં શ્રીસંતે 114 રન આપીને પાંચ વિકેટ પોતાના નામે કરી હતી. જસપ્રિત બુમરાહ ઉપરાંત ઉમેશ યાદવ અને મોહમ્મદ શમીએ બે-બે તથા શાર્દુલ ઠાકુરે એક વિકેટ ખેરવી હતી.

Share This :

Related Articles

Leave a Comment