ગુજરાત / ગુજરાતમાં કોરોનાના નવા 10019 કેસ નોંધાયા, એક્ટિવ કેસ 55000ને પાર.

  • 15-Jan-2022 08:33 AM

ગુજરાતમાં કોરોનાના કેસમાં શુક્રવારે નજીવી રાહત મળી છે. ગુરૂવારે કેસની સંખ્યા 11,000ને પાર નોંધાઈ હતી જ્યારે શુક્રવારે 10,019 કેસ નોંધાયા છે. જ્યારે બે લોકોના મોત થયા છે અને 4831 દર્દીઓ સાજા થયા છે. જોકે, આ રાહત વધારે સમય રહેશે કે કેમ તે જોવાનું રહેશે કેમ કે બે દિવસના ઉત્તરાયણના તહેવાર બાદ કેસમાં વધારો થઈ શકે છે. સરકારી ગાઈડલાઈન છતાં ઉત્તરાયણની પૂર્વસંધ્યાએ લોકો પંતગ-દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડ્યા હતા જ્યાં માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગ પણ ભૂલાયું હતું. જેના કારણે તહેવાર બાદ કેસની સંખ્યામાં વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

રાજ્યમાં હાલમાં સાજા થનારા દર્દીઓની સંખ્યા પણ વધી રહી છે. 4831 દર્દીઓ સાજા થવાની સાથે ગુજરાતમાં કોરોનાને હરાવનારાની સંખ્યા 8,40,971 થઈ ગઈ છે. જ્યારે રિકવરી રેટ 92.73 ટકા થયો છે. રાજ્યમાં હાલમાં 55,798 એક્ટિવ કેસ છે જેમાંથી 54 દર્દીઓ વેન્ટિલેટર પર છે. જ્યારે 10,144 લોકોના મોત થયા છે. અત્યાર સુધી કુલ 9,44,83,364 લોકોએ વેક્સિન લીધી છે.

ગુજરાતમાં કોવિડ-19ના કેસ જ્યાં ચાર આંકડામાં નોંધાઈ રહ્યા છે તેવા અમદાવાદ કોર્પોરેશન અને સુરત કોર્પોરેશન બાદ આ યાદીમાં વડોદરા કોર્પોરેશનનો ઉમેરો થયો છે. વડોદરા કોર્પોરેશનમાં પણ કેસની સંખ્યા હવે 1,000ને પાર થઈ ગઈ છે. અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 3090 કેસ નોંધાયા છે જ્યારે તેની સામે 2297 દર્દીઓ સાજા થયા છે. સુરત કોર્પોરેશનમાં 2986 કેસ નોંધાયા છે અને 930 દર્દીઓ સાજા થયા છે. વડોદરા કોર્પોરેશનમાં 1274 નવા કેસ સામે આવ્યા છે.

આ ઉપરાંત સુરત જિલ્લામાં 273, ભાવનગર કોર્પોરેશનમાં 225, વલસાડમાં 183, ગાંધીનગર કોર્પોરેશનમાં 142, નવસારીમાં 140, ભરૂચમાં 118, મહેસાણામાં 104 અને કચ્છમાં 101 કેસ નોંધાયા છે. જ્યારે વલસાડ અને નવસારીમાં એક-એક મોત નોંધાયા છે. એક દિવસમાં રાજ્યમાં 38,446 લોકોએ વેક્સિન લીધી છે.

Share This :

Related Articles

Leave a Comment