સ્પોર્ટ્સ / ગૌતમ ગંભીરે વિરાટ કોહલીની ઝાટકણી કાઢી, કહ્યું- આ રીતે ક્યારેય પણ રોલ મોડેલ નહીં બની શકે.

  • 15-Jan-2022 09:02 AM

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચમાં ડીઆરએસ નિર્ણયની સામે આપત્તિ વ્યક્ત કરતાં વિરાટ કોહલી આક્રમક થઈ ગયો હતો અને તેણે પોતાનો ગુસ્સો સ્ટમ્પ માઈક પર નીકાળ્યો હતો. જો કે, હવે આ આક્રમક વલણ ઉપર પૂર્વ ક્રિકેટર ગૌતમ ગંભીરે આપત્તિ વ્યક્ત કરી છે. કોહલીની ઝાટકણી કાઢતા ગંભીરે કહ્યું કે, વિરાટ કોહલીનું વલણ અપરિપક્વ છે. અને આ પ્રકારે આક્રમક વલણ દેખાડીને તે ક્યારેય પણ યુવાનોનો રોલ મોડેલ બની શકશે નહીં.

સાઉથ આફ્રિકા સામેની ત્રીજી ટેસ્ટ મેચના ત્રીજા દિવસે આર. અશ્વિનના બોલ પર ફિલ્ડ અમ્પાયરે સાઉથ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરને એલબીડબલ્યુ આઉટ આપ્યો હતો. જો કે, અલ્ગરે આ નિર્ણય વિરુદ્ધ રિવ્યૂ લીધો હતો. અને થર્ડ અમ્પાયરે ડીઆરએસ રિવ્યૂના આધારે ફિલ્ડ અમ્પાયરનો નિર્ણય ફેરવી નાખતાં ડીન અલ્ગરને નોટ આઉટ આપ્યો હતો. થર્ડ અમ્પાયરના આ નિર્ણયથી રોષે ભરાયેલાં વિરાટ કોહલી સાથે વાઈસ કેપ્ટન કેએલ રાહુલ અને આર.અશ્વિને પણ સ્ટમ્પ માઈક પર પોતાનો ગુસ્સો ઠાલવ્યો હતો.

ગૌતમ ગંભીરે સ્ટાર સ્પોર્ટ્સ સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, આ ખુબ જ ખરાબ છે. કોહલી જે પ્રકારે સ્ટમ્પ માઈકની પાસે ગયો, અને જે પ્રકારે તેણે વર્તન કર્યું, તે ખુબ જ અપરિપક્વ છે. તમે કોઈ ભારતીય કેપ્ટન કે ઈન્ટરનેશનલ કેપ્ટન પાસેથી આ પ્રકારની આશા રાખી શકતા નથી. આ ઉપરાંત ગૌતમ ગંભીરે કહ્યું કે, સાઉથ આફ્રિકા સામેની પ્રથમ ટેસ્ટ મેચમાં મયંક અગ્રવાલને પણ આ જ પ્રકારે નોટ આઉટ અપાયો હતો. પણ તે સમયે સાઉથ આફ્રિકાની ટીમ દ્વારા આ પ્રકારની પ્રતિક્રિયા આપવામાં આવી ન હતી.

ગૌતમ ગંભીરે કહ્યું કે, ટેક્નોલોજી તમારા હાથમાં નથી. તો તમારે પણ સ્ટમ્પની પાછળ કોટ બિહાન્ડની અપીલ દરમિયાન તે જ પ્રકારે પ્રતિક્રિયા આપવી જોઈએ, ડીન એલ્ગરે પણ તે પ્રકારની પ્રતિક્રિયા આપી ન હતી. મયંક અગ્રવાલની અપીલ સમયે નગ્ન આંખોથી જ દેખાતું હતું કે તે આઉટ છે. પણ એલ્ગરે એ સમયે આ પ્રકારે વર્તન કર્યું ન હતું.

આ ઉપરાંત ગંભીરે કહ્યું કે, તમે કાંઈ પણ બોલો તેનો અર્થ નથી, અને તે પોતાની સ્લીવ્સ પર હાર્ટ રાખીને રમે છે, અને તેનું આ વલણ ખુબ જ આક્રમક હતું, અને આ પ્રકારે તમે રોલ મોડેલ બની શકતા નથી. કોઈપણ ઉભરતો ક્રિકેટર આ પ્રકારનું વર્તન જોવા ઈચ્છતો નહીં હોય, ખાસ કરીને ભારતી કેપ્ટન પાસેથી. ટેસ્ટ મેચનું પરિણામ કાંઈ પણ આવે, પણ તમે ટેસ્ટ કેપ્ટન પાસેથી આ પ્રકારની આશા રાખતા નથી. હું આશા રાખું કે રાહુલ દ્રવિડ આ મામલે વિરાટ કોહલી સાથે વાત કરશે, કેમ કે જો દ્રવિડ કેપ્ટન હોત તો તે ક્યારેય પણ આ પ્રકારનું વર્તન કરતો નહીં.

Share This :

Related Articles

Leave a Comment