સ્પોર્ટ્સ / ત્રીજી ટેસ્ટઃ સાઉથ આફ્રિકા સામે ભારતની 7 વિકેટથી હાર, સીરિઝ પણ ગુમાવી.

  • 15-Jan-2022 09:03 AM

સાઉથ આફ્રિકાની ટેસ્ટ સીરિઝમાં ભારતના સ્ટાર બેટર્સના જોશની સામે સાઉથ આફ્રિકાના બેટર્સની ધીરજ ભારે પડી ગઈ હતી. તેઓએ ત્રીજી અને ફાઈનલ ટેસ્ટ મેચમાં મહેમાન ટીમને 7 વિકેટથી હરાવી દીધી હતી. પોતાની પ્રથમ ઈનિંગ્સમાં 223 રન બનાવનાર ભારતીય ટીમ બીજી ઈનિંગ્સમાં 198 રન બનાવી શકી હતી. સાઉથ આફ્રિકાએ પ્રથમ ઈનિંગ્સમાં 210 રન બનાવ્યા હતા. તેના આધાર પર યજમાન ટીમને જીત માટે 212 રનોની જરૂર હતી. જે તેણે 63.3 ઓવરોમાં 3 વિકેટ ગુમાવીને હાંસલ રકી દીધો હતો. આ સાથે જ સાઉથ આફ્રિકામાં ટેસ્ટ સીરિઝ જીતવાના સ્વપ્ન પર ફરી પાણી ફરી ગયું હતું.

સાઉથ આફ્રિકાએ ત્રીજા દિવસે બે વિકેટના નુકસાન પર 101 રનોના સ્કોર પર રમતની શરૂઆત કરી હતી. કીગન પીટરસને રાસી વાન ડર ડુસેનની સાથે મળીને આક્રમક બેટિંગ કરી હતી. તેણે 100 બોલમાં 54 રનોની પાર્ટનરશિપ કરતાં સાઉથ આફ્રિકાની સારી સ્થિતિમાં મુકી દીધું હતું. જ્યાં સુધી પીટરસન મેદાન પર હતો ત્યાં સુધી સાઉથ આફ્રિકા પ્રથમ સત્રમાં જ જીત હાંસલ કરતું જોવા મળી રહ્યું હતું.

પીટરસને એલ્ગર (30)ની સાથે બીજી વિકેટ માટે 78 રનોની પાર્ટનરશિપ કરી હતી. તે ત્રીજા દિવસે 48 રન બનાવીને અણનમ રહ્યો હતો અને ચોથા દિવસે મોહમ્મદ શમીના બોલ પર બે રન લઈને પોતાની હાફ સેન્ચુરી પૂરી કરી હતી અને સાથે દિવસની રમતમાં સાઉથ આફ્રિકાનું ખાતું પણ ખોલી દીધું હતું. 65 બોલમાં ફિફ્ટી ફટકાર્યા બાદ તે સદીની તરફ આગળ વધી રહ્યો હતો. શાર્દુલ ઠાકુરે એક જબરદસ્ત બોલ ફેંકીને તેને ક્લિન બોલ્ડ કર્યો હતો. તેણે 113 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 82 રન બનાવ્યા હતા. પણ ત્યાં સુધી તો ભારતના હાથમાંથી મેચ નીકળી ગઈ હતી અને સાઉથ આફ્રિકાને જીત માટે માત્ર 60 રનોની જરૂર હતી.

રાસી વાન ડર ડુસેને ટેમ્બા બાઉમાની સાથે મળીને લંચ બ્રેક સુધી કોઈ વિકેટ પડવા દીધી ન હતી અને 3 વિકેટ પર 171 રન સ્કોરબોર્ડ પર લગાવી દીધા હતા. હવે તેને જીત માટે માત્ર 41 રનોની જરૂર હતી. જ્યારે ભારત માટે જીત લગભગ ધૂંધળી દેખાતી હતી. ભારતને જીત માટે 7 વિકેટની જરૂર હતી. અહીંથી ટેમ્બા બાઉમા અને રાસી વાન ડર ડુસેને 57 રનોની જોરદાર પાર્ટનરશિપ કરીને મેચ ફિનિશ કરી દીધી હતી.

આ પહેલાં ભારતે ઋષભ પંતની મુશ્કેલ પરિસ્થિતિઓમાં રમેલી સદીની શાનદાર ઈનિંગ્સ છતાં પણ સાઉથ આફ્રિકાની સામે 212 રનોનો લક્ષ્ય રાખ્યો હતો. તેણે ત્રીજા દિવસની અંતિમ ક્ષણોમાં ડીન એલ્ગરની કિંમતી વિકેટ નીકાળીને ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચમાં જીતની આશાઓ જીવંત રાખી હતી. પણ ચોથા દિવસે ભારતીય બોલર્સ કાંઈ કમાલ કરી શક્યા નહીં.

Share This :

Related Articles

Leave a Comment