રાજકારણ / કૃષિ કાયદા પરત ખેંચાતા સૌથી વધારે નુકસાન કોને થશે?

  • 22-Nov-2021 09:08 AM

કેન્દ્રની મોદી સરકારે ત્રણેય કૃષિ કાયદાને પરત ખેંચવાની જાહેરાત કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સંસદના આગામી શિયાળુ સત્રમાં કૃષિ કાયદા પરત ખેંચવા સંબંધિત પ્રક્રિયા પૂરી કરવામાં આવશે. કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાતથી ફૂડ પ્રોસેસિંગ ઉદ્યોગને આંચકો લાગ્યો છે. કારણકે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ પોતાના વિસ્તારની યોજના પર કામ કરી રહી હતી. કૃષિ કાયદા લાગુ થયા પછી તેઓને પોતાનો ખર્ચ ઓછો થવાની આશા હતી, પણ હવે તેમની યોજનાઓ અટકી પડી શકે છે.

દેશની સૌથી મોટી પેકેજ અને બ્રાન્ડેડ એડિલબ ઓઈલ કંપની અદાણી વિલ્મરના અંશુ મલિકે કહ્યું કે 'કૃષિ કાયદા નાના અને મોટા ખેડૂતો માટે સારા હતા જ્યારે ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ માટે પણ ઘણાં સારા હતા. હવે જ્યારે કૃષિ કાયદા પરત ખેંચવામાં આવ્યા છે તો તેનાથી અમારી તમામ આશા પર પાણી ફરી વળ્યું છે. તેમણે કહ્યું કે, ભારતમાં કૃષિ કાયદામાં સુધારાની જરૂરિયાત હતી. દુનિયાની બદલાતી પરિસ્થિતિઓના આધારે કૃષિ કાયદાઓમાં પણ બદલાવ થવો જરૂરી હતો. અદાણી વિલ્મર ફોર્ચ્યુન બ્રાન્ડના નામે ખાદ્ય તેલ, ચોખા, દાળ વગેરેનું વેચાણ કરે છે.'

પ્રોસેસ્ડ ફૂડના બિઝનેસને આંચકો!

ભારતના પ્રોસેસ્ડ ફૂડનો બિઝનેસ 2.6 લાખ કરોડ રૂપિયાનો છે. કૃષિ કાયદા લાગુ થયા બાદ મોટી કંપનીઓ સીધા ખેડૂતોથી કૃષિ ઉપજ ખરીદવાની યોજના બનાવી રહી હતી. કૃષિ કાયદા પરત ખેંચવાની જાહેરાત પછી તેઓની યોજનાઓને આંચકો લાગ્યો છે. ભારતમાં કાર્યરત ફૂડ પ્રોસેસિંગ કંપનીઓ પ્રોડક્શન લિંક્ડ ઈન્સેન્ટિવ સ્કીમનો ફાયદો ઉઠાવવા માટે 11000 કરોડ રૂપિયાની સરકારી સ્કીમ પર પણ કામ કરી રહી હતી, હવે આ પ્રકારની યોજનાઓ પણ અટકી પડી શકે છે. નેસ્લે, આઈટીસી, પાર્લે પ્રોડક્ટ્સ, બ્રિટાનિયા, એચયુએલ, અમૂલ, અદાણી વિલ્મર, પેપ્સીકો અને મેરિકો જેવી કંપનીઓ ભારતના પ્રોસેસ્ડ ફૂડ માર્કેટના મોટા નામોમાં સામેલ છે.


ઓલ ઈન્ડિયા ફૂડ પ્રોસેસર્સ એસોસિએશનના પ્રેસિડેન્ટ સુબોધ જિંદલે કહ્યું કે કૃષિ કાયદા પરત ખેંચાવાની જાહેરાતના કારણે હવે ઉદ્યોગ જગત માટે ખર્ચો વધી જશે. કેટલાંક રાજ્યોમાં નિયામકના કારણે પરેશાની નડી શકે છે. જો કૃષિ કાયદા લાગુ થયા હોત તો ખેડૂતો પાસે આ સુવિધા હોત કે તેઓ પોતાની કૃષિ ઉપજ સીધી મોટી કંપનીઓને વેચી શકતા હતા. જેથી કંપનીઓને સીધા ખેડૂતોથી કૃષિ ઉપજ ખરીદવાની સુવિધા મળી હોત અને તેઓ માર્કેટમાં નહીં જતા તેમના ખર્ચામાં પણ ઘટાડો થયો હોત.

Share This :

Related Articles

Leave a Comment