રાજકારણ / લગ્નમાં GSTનો મારઃ સાત લાખ સુધીના લગ્નમાં 1 લાખથી વધારે રૂપિયાનો તો ટેક્સ જ હોય છે!

  • 22-Nov-2021 09:10 AM

લગ્નગાળાની સિઝન શરૂ થવાની છે, અને એક અંદાજ મુજબ રાજ્યમાં ફેબ્રુઆરી સુધીના પાર્ટી પ્લોટ બુક થઈ ગયા છે. તમામ લોકો ધામધૂમથી લગ્ન કરવાની ઈચ્છા ધરાવતાં હોય છે. અને આજના સમયમાં લગ્નમાં મધ્યમ પરિવારમાં પણ લાખો રૂપિયાનો ખર્ચ થઈ જતો હોય છે. પણ શું તમને ખબર છે કે, લગ્નના ખર્ચમાં મસમોટો ટેક્સ પણ સામેલ હોય છે. લગ્ન માટેની વિવિધ સર્વિસના ઉપયોગ પર જીએસટી ચૂકવવો પડે છે. અને જો એક લગ્નમાં સાત લાખ રૂપિયા સુધીનો ખર્ચ કરવામાં આવે તો, તેમાં 1 લાખ રૂપિયા સુધીનો તો જીએસટી સામેલ હોય છે. અને આ જીએસટી કેવી રીતે સામેલ હોય છે તે અંગે આજે અમે તમને જણાવીશું.

લગ્ન માટે નાના પરફ્યુમથી માંડી મોંઘાદાટ કપડાં, જ્વેલરી, મેરેજ હોલ, બ્યૂટી પાર્લર, કંકોત્રી, ફૂટવેર સહિતની અનેક વસ્તુઓ પર આપણે ખર્ચ કરતાં હોય છે. અને આ તમામ વસ્તુઓ પર આપણને જીએસટી આપવો પડે છે. અને જો આ તમામ વસ્તુઓ પર જીએસટી રેટની ગણતરી કરવામાં આવે અને જો લગ્ન પર સાત લાખ રૂપિયાનો ખર્ચ કરેલ હોય તો, તેમાં 1 લાખ રૂપિયા કરતાં વધારેનો જીએસટી જ સામેલ હોય છે.

લગ્નમાં કઈ-કઈ વસ્તુઓ પર કેટલો જીએસટી લાગે છે?

કપડાં અને ફૂટવેરઃ 5-12 ટકા
ગોલ્ડ જ્વેલરીઃ 3 ટકા
મેરેજ ગાર્ડનઃ 18 ટકા
ટેન્ટઃ 18 ટકા
લાઈટિંગઃ 18 ટકા
ડેકોરેશનઃ 18 ટકા
બેન્ડવાજાઃ 18 ટકા
ફોટો-વિડીયોઃ 18 ટકા
કંકોત્રીઃ 18 ટકા
બ્યૂટી પાર્લરઃ 18 ટકા
કેટરિંગઃ 18 ટકા
બસ-ટેક્સી સર્વિસઃ 5 ટકા

લગ્નના ખર્ચમાં લાગતો ટેક્સ આ ઉદાહરણથી સમજો

ઉપરના રેટ મુજબ જીએસટી ઉદાહરણ દ્વારા સમજીએ તો, જો મેરેજ ગાર્ડનમાં દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવે તો, 18 ટકા જીએસટી ગણતાં 27 હજાર રૂપિયા થાય, અને ટેન્ટ પાછળ 50 હજાર રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો, તેમાં 9000 રૂપિયાનો જીએસટી સામેલ હોય છે. આ ઉપરાંત લગ્નમાં કેટરિંગ ઉપર દોઢ લાખ રૂપિયા ખર્ચ કરવા પર 27 હજાર રૂપિયાનો જીએસટી આપવો પડે છે. અને આ જ રીતે જો દોઢથી બે લાખ રૂપિયાની ગોલ્ડ જ્વેલરી ખરીદવામાં આવે તો તેના પર ત્રણથી ચાર હજાર રૂપિયા જીએસટી આપવો પડે છે. આમ આ રીતે જો લગ્ન પાછળ સાત લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવે તો તેમાં 1 લાખ રૂપિયાથી વધારે જીએસટી આપવો પડે છે.

Share This :

Related Articles

Leave a Comment