સ્પોર્ટ્સ / 'ભારતમાં જ રમાશે IPL 2022, વધુ રોમાંચક બનશે ટુર્નામેન્ટ'.

  • 22-Nov-2021 10:03 AM

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહે શનિવારે જણાવ્યું હતું કે ઈન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) 2022 ભારતમાં રમાશે. નોંધનીય છે કે કોરોનાના કારણે આઈપીએલની અંતિમ બે સિઝન યુએઈમાં રમાડવી પડી હતી. જોકે, 2021ની સિઝનનો પ્રથમ તબક્કો ભારતમાં રમાયો હતો પરંતુ બાદમાં કોરોનાના કારણે તેને યુએઈમાં રમાડવામાં આવી હતી.
 

ચેન્નઈમાં યોજાયેલી એક ઈવેન્ટમાં બોલતા જય શાહે જણાવ્યું હતું કે, મને ખ્યાલ છે કે તમે ચેન્નઈ સુપર કિંગ્સને ચેપોકમાં રમતી જોવા માટે આતુર છો. હવે તે ક્ષણ વધારે દૂર નથી, આઈપીએલની 15મી સિઝન ભારતમાં રમાશે અને બે નવી ટીમોના આગમનના કારણે તે વધારે રોમાંચક બનશે. તે પહેલા મેગા ઓક્શન થશે તેથી તે જોવું પણ રોમાંચક રહેશે કે ટીમોનું નવું કોમ્બિનેશન કેવું હશે.

ચેન્નઈ સુપર કિંગ્સની સફળતા અંગે તેમણે કહ્યું હતું કે, ચેન્નઈ સુપર કિંગ્સની સફળતાનો ઘણો શ્રેય એન શ્રીનિવાસનને જાય છે કેમ કે તેઓ કપરા સમયમાં પણ ટીમ સાથે ઊભા રહ્યા. આ ઉપરાંત કાસી વિશ્વનાથને પણ ટીમને એકજૂટ રાખવામાં મહત્વની ભૂમિકા ભજવી છે. જ્યારે તમારી પાસે મહેન્દ્ર સિંહ ધોની જેવો સુકાની હોય પછી તે ટીમને કોઈ હળવાશથી કેવી રીતે લઈ શકે. ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમનો ધબકાર અને કરોડરજ્જુ છે. તેણે જે વારસો છોડ્યો છે તે વર્ષો સુધી રહેશે.

નોંધનીય છે કે 2008માં આઈપીએલનો પ્રારંભ થયો ત્યારથી ધોની ચેન્નઈ સુપર કિંગ્સ ટીમ સાથે જોડાયેલો રહ્યો છે અને શરૂઆતથી જ ટીમનો સુકાની રહ્યો છે. તેની આગેવાનીમાં ચેન્નઈ ચાર વખત ચેમ્પિયન બન્યું છે. મુંબઈ ઈન્ડિયન્સ પાંચ વખત ચેમ્પિયન રહ્યું છે. આમ ચેન્નઈ સૌથી વધુ આઈપીએલ ટાઈટલ જીતવાના મામલે બીજા ક્રમે છે. જોકે, સૌથી વધુ આઈપીએલ ફાઈનલ રમવાનો રેકોર્ડ ચેન્નઈ સુપર કિંગ્સના નામે છે.

Share This :

Related Articles

Leave a Comment