ગુજરાતમાં બિપરજોય વાવાઝોડાના ખતરાને લઈને રાજ્યના જાણીતા વિવિધ મંદિરોના દ્વાર ભક્તો માટે બંધ કરી દેવામા આવ્યા હતા. વિવિધ જિલ્લાઓમાંથી દર્શનાર્થે આવતા ભક્તોની સલામતીને ધ્યાને રાખીને આ નિર્ણય લેવામા આવ્યો હતો.ત્યારે આજે બિપરજોય વાવાઝોડાનો ખતરો ટળતા વિવિધ મંદિરોના દ્વાર આજે ફરીથી ભક્તો માટે ખોલવામા આવ્યા છે.
આજે ફરીથી ગુજરાતના મંદિરોના દ્વાર શ્રદ્ધાળુઓ માટે ફરી ખૂલ્યા
બિપરજોય વાવાઝોડાની તીવ્રતાને જોતા અગમચેનીના ભાગરૂપે પ્રશાસન દ્રારા કેટલાક પગલા લેવામાં આવ્યા હતા, જેના ભાગરુપે રાજ્યના ધર્મસ્થાનો પણ ભકતો ના દર્શનાથે બંધ કરી દેવામાં આવ્યા હતા. જો કે હવે વાવાઝોડુ રાજ્યમાંથી પસાર થઇ જતાં આ ગુજરાત માં આવેલા વિવિધ ઘર્મસ્થાનોને ફરી એકવાર ભક્તો માટે ખુલ્લા મૂકાયા છે.જાણકારી મુજબ પાવાગઢ મંદિર, દ્વારકાધીશ મંદિર, ખોડલધામ, સોમનાથ મહાદેવ મંદિર સહિતના મંદિર પરિસર દર્શનાર્થીઓ માટે ફરી ખુલ્લા મુકાયા છે. આ ઉપરાંત માતાના મઢમાં પણ આજથી ભક્તો દર્શન કરી શકશે.
દ્વારકાધીશના શરણે હર્ષ સંઘવી પહોંચ્યા
બિપરજોય વાવાઝોડાની અસરો શાંત થયા બાદ ગુજરાત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ દ્વારકાધીશના શરણે પહોંચ્યા હતા અને આજે ત્રીજા દિવસે ગૃહ રાજ્યમંત્રીએ જગતમંદિરમાં ધ્વજારોહણ કર્યું અને જગતમંદિરે ધ્વજાની પૂજા કરી હતી. દ્વારકાધીશ મંદિર પર આજે ફરી 52 ગજની ધ્વજા ચડાવવામા આવી છે. વાવાઝોડાને કારણે દ્વારકાધીશ મંદિરે ધજા ચડાવી શકાઈ ન હતી ત્યારે આજે ફરી દ્વારકાધીશના મંદિરે ધજા ફરકતી જોઈને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
ભક્તો માટે દર્શન બંધ પરંતુ પૂજા-અર્ચનાનો નિત્યક્રમ અવિરત હતો
બિપરજોય વાવાઝોડાને કારણે મંદિરો 24 કલાક માટે દર્શનાર્થીઓ માટે બંધ રાખવામા આવ્યા હતા. પરંતુ મંદિરમાં સનાતન ધર્મની પરંપરા અનુસાર દરેક પૂજા-અર્ચનાનો નિત્યક્રમ અવિરત રહ્યો હતો. જેથી ઘણા ભક્તોએ ઓનલાઈન ઘરે બેઠા સોશિયલ મીડિયાના માધ્યમથી મંદિરોના દર્શનનો લ્હાવો લીધો હતો.